Setting

ચાલતી પટ્ટી

"નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.* શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.* શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.* બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.* શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.""

Golden Memory

મા તે મા



માતૃ વંદના

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरियसी
                            ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. માં બાળકને પારણામાં ઝૂલાવતાં હાલરડાંના કે માતૃભૂમિની શૂરવીર અને સાહસ ગાથાઓના લય, સૂર અને તાલની આંગળી પકડી નીંઢ્રાનાં સ્વપ્ન દેશમાં લઇ જાય છે.માં પોતાના બાળકને ફૂલની જેમ સાચવે છે અને એ જ્યાં સુધી મોટો થઇને ટટ્ટાર ઊભો રહે ત્યાં સુધી માં તેના નાના નાના પગલાંની પાછળ પાછળ અધ્ધર જીવે ટીંગાઇ રહેતી હોય છે.
                                    ઇતિહાસ સાક્ષી છે કે માતા જીજાબાઇએ છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો. પૂતળીબાઇની છીપમાં પાકેલું મૂલ્યવાન મોતી એટલે મહાત્મા ગાંધી, માતા સ્વરૂપરાણીની કૂખે હિન્દના જવાહર સમા એવા જવાહરલાલ નહેરૂ, માતા રામદુલારિૈ હિન્દના લાલબહાદુર શાસ્ત્રીને જન્મ આપ્યો. આવા કંઈ કેટલાયે મહાપુરુષોની માંએ જગતને ભેટ આપી છે.
                                   શિક્ષકો બાળકોને પુસ્તકિયું જ્ઞાન જરૂર આપે છે પણ જીવનલક્ષી કેળવણીતો દરેક બાળકને માં જ આપે છે.તેથી જ કહેવાયું છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. માં બાળકનો સર્વાંગી વિકાસ સાધવા કે વિવેક બુધ્ધિ ખીલવવા તન તોડ મહેનત કરી સારા પુસ્તકો, મૈત્રી, વાણી અને વર્તન ધ્વારા માં તેને મદદ કરતી રહેતી હોય છે અને આમ તે પહેલા ઘરની વિર્ધાપીઠમાં ઉછરી જ્યારે ઘરની બહાર પડે છે ત્યારે તે નોખું તરી આવતું હોય છે. આથીજ ખલિલ જીબ્રાને કહયું છે કે દરેક ઘરમાં ઇશ્ર્વરે પોતની જગ્યા પૂરવાં માંનું સર્જન કર્યું છે.
                                          આખા દિવસની જંજાળથી થાકેલો પુત્ર સાંજે ઘરે આવે છે અને આવીને માંની ગોદમાં મસ્તક મૂકે છે ત્યારે તેનાં મસ્તક પર કે શરીર પર વાત્સલ્યથી માંનો હૂંફાળો હાથ ફરતાંની સાથેજ પુત્ર ઘડીભરમાં હળવો ફૂલ બની જાય છે.અને એજ માં નો દેહ નહીં હોય ત્યારે પણ એનું વહાલ હવાના કણેકણોંમાં ગુપ્તરીતે આવીને પોતાના બાળકનું ડગલેને પગલે રક્ષણ કરતું હોય છે માટે જ માતૃપ્રેમ મનુષ્યને ઈશ્ર્વરે પ્રધાન કરેલું અમૂલ્ય વરદાન છે.
                                   દેશ-પરદેશમાં ભલે ફક્ત આખા વર્ષમાં એક જ દિવસ માંના સબંધોને તાજા કરીને મધર્સ ડે ઉજવતા હોઇએ પણ જે માં સમગ્ર જીવનમાં વણાઇ ચૂકી હોય કે હરેક વિચારો માંના સંસ્કારોથી ભીંજાયેલા હોય તે માંને બાકીના દિવસો તો શું પણ જન્મો જન્મ ન ભૂલી શકાય.
આપણે કૂતુહલથી ઘણી વાર જોતા હોઇએ છે કે રસ્તા પરથી બિલાડી તેનાં બચ્ચાને મોઢાથી ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. આ છે માં કે જે પોતાના બાળકને મોઢાથી પકડવા છતાં દાંત વાગે નહી કે મોઢામાંથી પડી ન જાય અને સલામત જગ્યાએ પહોચી જાય. વાનર પણ પોતાના બચ્ચાંને છાતીએ વળગાળીને આમથી તેમ ઠેકે છે પણ તેને પડવા કે આથડવા દેતી નથી. માં તો જાણે બાળક માટે પ્રકૃતિથી જ શ્રેષ્ઠ સિક્યુરીટી છે.
જીવનદાયીની માતાને શત શત પ્રણામ
                                  આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી જો કોઈ અદભૂત પરિવર્તન આવતુ હોય તો એ છે  કોડભરી   કન્યાનું માતા બનવુ. જેમ મહેમાન ઘેર આવવાના હોય ત્યારે ઘરની  સજાવટ અને  સુશોભન  કંઈ ઓરજ હોય તેમ માતા બનનારી સ્ત્રીના શરીર-મન- વિચાર-વાણી અને  વર્તનમાં આમૂલ  પરિવર્તન આવે છે. આ સમગ્ર પરિવર્તન કે  જે સ્ત્રીના જીવનને અદભૂત  મોડ આપે છે. એક  મંઝીલ આપેછે એક એવી ઉંચાઈનું  નામ એટલે મા...! આ મા બનવુ  પણ સહેલુ નથી  કારણકે નવ માસના ગર્ભધાન  પછી આકરી પ્રસૂતિની પીડા અને  શિશુપાલનની અઢળક  જવાબદારી એ અનેક  બલિદાન માંગી લે છે. અને આ બધુ એક  સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી  માત્ર પોતાના  દેવના દીધેલા માટે.....!!
કહેછે કે ઈશ્વર બધે પહોંચી શકે તેમ ન હતો અને એટલે જ તેણે મા નું સર્જન કર્યુ ...!
·     કેટલાક મમળાવવા લાયક અવતરણો
 શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર સ્ત્રી હતી...! માતા એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.  રજનીશજી  ઓશો 
 શહેરી માતા બાળકને સતત ડીલીવર કરે છે ...! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા જીવન પર્યંત ...!  પીટર દ વ્રાઈસ
 જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. ...!” – એક ચીની કહેવત
જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા ...!  ટેનેવા જોર્ડન
 હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ - જેમ્સ ફેંટન
·       બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ 'માં' છે.
·       પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું
·       એટલે તેણે 'માં' નું સર્જન કર્યું.
·       માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે.
·       માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
·       માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે.
·       માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
·       એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
·       માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે.
·       માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.
·       સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે.
·       માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે.
·       માતા પૃથ્વી પણ મહાન છે.
·       પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય.
·       માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે.
·       માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે.
·       મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે.  
મધર્સ ડે નો ઈતિહાસ
                                     ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..! શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને મધર્સ ડે  તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.
ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે.
માતાને લગતા કેટલાક કાવ્યો

મા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે,
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સહેજ અડતાંમાં જ દુ:ખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનોને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
   
મા
 
મા તારા ઉપકાર  અગણિત, તુજ આશિષ પ્રતાપ નિરંતર
 
નવ માસ રાખી તુજ ઉદરે, પોષણ પામી તુજ સ્નાયુ રક્તે
 
જન્મતા જ તુજ સ્તને વળગી
વાસ્તલ્ય ધારાએ થઇ મોટી
 
રમતમાં મસગુલ શિશુકાળે
વચનો તારા કદી ન પડે કર્ણે
 
રમવા ફરવા મન લલચાતુ
હરક્ષેત્રે શિક્ષણ ધ્યાન તેં રાખ્યું
 
વર્તને મારા દુઃખ તને અર્પયુ
સહજ ભાવે તેં સ્વીકારી લીધું
 
તેં હંમેશ જોયા મારા ગુણોને
અવગુણોને માફ કર્યા સહેજે
 
આવા અનંત ઉપકારો મુજ પર
વરસાવી ગઇ વાસ્તલ્ય સભર
 
આવું વિશાળ દરિયા દિલ તારું
ન મળે જગમાં દીવો લઇ શોધું
 
સગા સંબંધી મિત્રો મળવા આસાન
જનની દુર્લભ જગમાં તુજ સમ
 
માતૃ દેવો ભવ સાંભળી થઇ મોટી
પૂજા કરૂ હું તારી નયને અશ્રુ ભરી
 
જનની તારી જીવનભર હું ઋણી
તારા ગુણગાન ગાતા ન થાકુ જરી
તારો મધમીઠો મહિમા  તુષાર શુક્લ
તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા?
પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના
ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?
દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ખમ્મા!
આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
આવજે કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા
રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા

માનો ગુણ – દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
મને કોણ કેતું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત તેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે ! દેવતા દેવ આનંદદાતા !
મને ગુણ જેવો કરે મારી માતા;
સામો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે;
રાજી દેવ રાખે સુખી સર્વ ઠામે,
રચ્યા છે રૂડા છંદ દલપતરામે.


બા પાસેથી શીખ્યો છું હું
ભણ્યા પછી પણ શું ગણવાનું, બા પાસેથી શીખ્યો છું હું
ભાર નકામો ભૂલી જવાનું, બા પાસેથી શીખ્યો છું હું
વહેવારોને જાળવવાનું બા પાસેથી શીખ્યો છું હું
આદર્શોને ઓળખવાનું બા પાસેથી શીખ્યો છું હું
સંન્યાસીને જમાડવાનું બા પાસેથી શીખ્યો છું હું
સંસારી થઇને રહેવાનું બા પાસેથી શીખ્યો છું હું
ટાઢાકોઠે સાંભળવાનું બા પાસેથી શીખ્યો છું હું
હૈયું ક્યે એમ કરવાનું બા પાસેથી શીખ્યો છું હું
કણ કણ રે ને ઊડે ફોતરાં, એ જ માપથી હળવું ભારે
જરૂર જેટલું વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું
આદુને ઝીણી ખમણીથી, કોળાને મોટા ચાકુથી
કદ પ્રમાણે વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું
મુઠ્ઠીમાં મંદરાચળ જેવું, કોઠીમાં ઘઉં દાણા જેવું
અવરનજરને પારખવાનું બા પાસેથી શીખ્યો છું હું
કથાપૂજામાં એક આચમન, સૂતક હોય તો માથાબોળ
પાણી ક્યાં ક્યમ વાપરવાનું બા પાસેથી શીખ્યો છું હું
ચકલીની કણકી નોખી ને ગૌમાતાનો ગ્રાસ અલગ પણ
થાળીને ધોઇને પીવાનું બા પાસેથી શીખ્યો છું હું
પલકવારમાં તાકેતાકા ઉખેડવાની ગુંજાઇશ પણ
પંડ જેટલું પાથરવાનું બા પાસેથી શીખ્યો છું હું
સુરજને દઇ અર્ઘ્ય સવારે, કરી આરતી સંધ્યા ટાણે
ચડતી પડતી જીરવવાનું બા પાસેથી શીખ્યો છું હું
                                         મા…                                  ”         


આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો..
ઘણાય હતા મને વ્હાલ કરનારા પણ, જ્યારે મેં ભિના કર્યા બધાને ત્યારે તેણે જ મારો હાથ જાલ્યો..
પા-પા પગલી માંડતા જોઈ રહેતા બધા મને, પણ પડ્યો હું કોઇક વખત તો તેણે જ મને ઊભો કર્યો..
એક દિવસ પોતાની આંગડીએથી મને વિખુટો કર્યો, જ્યારે પહેલીવાર મને નિશાળે મુક્યો..
રોયો હતો હું ખુબ ત્યારે, પણ ખુશ હતો જ્યારે બહાર આવ્યો..
શું થયુ તેની ભાન ન પડી બહાર આવીને મને,
જ્યારે પોતાની ભિની આંખ પર તેણે હસતો ચહેરો રાખ્યો..
આમ ને આમ દિવસો વિતવા લાગ્યા, મને રાજી રાખવામા તેણે કોઈ કચાસ ન રાખ્યો..
પુરા કરતી જાતી તે મારા બધા સપનાઓને, જ્યારે મેં માંગણીઓનો પહાડ બનાવ્યો..
ખબર ન હતી મને કે પિડા શુ હોય, પોતાની વેદનાઓને તેણે ઊંહકાર ન આપ્યો..
સેવા કરવી છે હવે, મારે એની જિંદગીભર, એવો સપનામા મને જ્યારે એહ્સાસ જાગ્યો..
આંખ ખોલીને મેં જોયુ છેક ત્યારે, જ્યારે ખુદના ખોળામા તેનો શ્વાસ ભાગ્યો..
કોણ હતી એ જેણે દુખના વાદળોથી ઘેરાઈને, મને મુસિબતોથી આઘો રાખ્યો..
મા હતી મારી એ, જેને ઓજલ થઈની, “રામને આ દુનિયામા દિપાવ્યો..


બા
તે અમને જન્મ આપી પૃથ્વીને સન્માનિત નથી કરી બા ?
આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો
તારી ભાવનાનો વિસ્તાર છે !
લય અને સૂરની અંગુલી ગ્રહી સર્વદા લે જતી સ્વપ્ન લોકે
કેટલાં મધુર અને રમ્ય પરીકથાના દેશો
તારી આંતરસૂઝ ને જતનથી
અમારું જીવનવૃશ બન્યું લીલુંછમ
તારી વિધાપીઠમાં ઊછરેલ અમો નોખાં કૈંક..
તારી આંખોમાં ક્ષમાં ને કરુણાના અંજન આંજ્યાંતા
તારા હાથમાં અભયદાન ને કર્મશીલતાના કવચ જડ્યાતા
બા એક એવી ત્રશ્ર્તુ જેને કયારેય ન આવે પાનખર
હવાતણી લેરખીમાં આવે તારા વહાલસોયા સ્પર્શની માધુરી
યૌવન ગયું મિત્રો ખરી પડ્યા પણ ઓહ! તારો પ્રેમ..
તારા નિર્મળ સ્નેહનું અમીઝરણું નિત ખળખળ વ્હેતું રહ્યું.
માનશાસ્ત્રનું અમૂલ્ય ઔષધ ને કાવ્યનો અખૂટ ભંડાર
તું જ અમારા ભાઇભાંડુઓનું એકાક્ષરી મહાકાવ્ય બા અમારી બા’……

મા 

જેનો જગમાં જડે નહીં જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી મા તે બનાવી….

નવ માસ તે ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો….કેવિ

મને પાપા પગલી ભરવી, પડિ આખડી મુજને બચાવી
જીવનની રાહ બતાવી….કેવિ..

જ્યાં હું આવુ રોતો રોતો, થોળો સાચો  થોળો ખોટો
ત્યાંતો આવે દેતી દોટો..કેવિ

જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યોકેવિ

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
તોએ માને મન ઘાણી ખોટોકેવિ..

પ્રભુ કેદાર કરૂણા તારી, બસ એકજ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટોકેવિ..

બા લાગે વહાલી
બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી
વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી
જે માગું તે સઘળું દેતી
બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી
હસું રમું તો રાજી થાતી
રડું તો મૂંઝાતી, મને તો બા લાગે વહાલી
વાંક બધા યે માફ કરીને
મારા ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા
ભીંજાઈને બહારથી ઘરે હું આવ્યો
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.
મંદિરમાં જઈ આજ દર્શન કર્યાં મેં
ઘંટ વગાડ્યો,પૂજા-અર્ચના કરી મેં
પ્રસાદ લીધો,લઈને ઘરે હું આવ્યો
આંખોમાં આંસુ ત્યાં ભરાઈ આવ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.
બા,તારા પૌત્રના આજે લગ્ન કીધાં
તુજ વહૂને પોંખીને ઓવારણા લીધાં
પૂત્રવધુના ઘરે આજ પગલાં પડ્યાં
હૃદયનાં બંધ બેફામ સૌ તૂટી પડ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.
ઝરણાં,નદીઓ એમ જ વહેતાં રહેશે
સાગર ઊછળશે,વાદળો પણ છવાશે
એજ વાયુને એજ રોજિંદુ વાતાવરણ
પણ બા,તમે ક્યાં છો,તમે ક્યાં છો?
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

હજી યાદ છે મને
મારી પાંપણોની ભીનાશ થઇ
ને મારા ગાલોને મીઠું ચુંબન દઇ
મારા ઓષ્ઠ પર હજારો સ્મિતનું ઝોલું થઇ વરસતી તું
હજી યાદ છે મને
કેદ છે હજીયે મારી આંખોમાં તારા વ્હાલનો એ દરિયો
જેમાં પીગળતી બધીજ ખારાશ મારી
ને તારા ખોળામાં ખૂંદેલું મલક આખાનું એ સુખ,
હજી યાદ છે મને
ક્યાંક પા પા પગલી ભરાવતી તું
ને અમસ્તું પગલી એ ચૂકી જતાં
અંતરમાં ઉંડાણથી આવતો એ સાદ, ‘વાગ્યું તો નથી ને બેટા?’
હજી યાદ છે મને.
હસાવતી, રમાડતી ને છાતી સરસી ચાંપતી
હતી ન હતી એવી તું હકીકત થઇ છતાં
મારા શમણાઓને પરી બની ઘેરી વળતી તું
હજી યાદ છે મને.
ને આજ
અચાનક
એક શિશુના ગાલ પર કાળું ટપકું જોયું
ને એણે મારા શૈશવને પ્રશ્નરૂપે સ્પર્શ કર્યો, ‘હજી યાદ છે તને?’
હા
અવનિ પર અવતરેલી મારી પ્રથમ ગઝલ માં
                                      હજી યાદ છે મને-  ડીમ્પલ આશાપુરી

મા વિશે કાગવાણી..

ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?
પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?
જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?
ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?
કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?
આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું માં’, કોઠાને ટાઢક કાગડા !
મોઢે બોલું માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !
ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !
મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !
જનની કેરું જોર, રાઘવને રેતું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !
મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !
જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !
જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા !
મા  વિશે કણિકાઓ 
आस्तां तावदियं प्रसूति समये दुर्वार शूलव्यथा
नैरुच्ये तनुशोषणं मलमयी शय्या  सांवत्सरी
एकस्यापि  गर्भभारभरण कलेशस्य यस्यां क्षमा
यातुं निष्कृति मुन्नतोडपि तनय: तस्यै जन्ययै नम:
 
आदि शंकराचार्य
મા તે દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધ નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં
આ જે એક જ ભાર માસ નવ તે વેંઠ્યો હું તેનું ઋણ
પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું તે માતને હું નમું.
 
અનુ. મકરંદ દવે
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
                        મહા હેતવાળી દયાળી જ માં તું.     કવિ દલપતરામ
જ્યારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે.
ત્યારે કોણ મારી સંભાળ,
                            કરતું ધરી વ્હાલ, તે તું જ તો માવડી.-- નવલરામ પંડ્યા
પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતન જી
ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા
                                          કાયાના કીધેલાં જતનજી- રામનારાયણ પાઠક
આયવો ભાઇ !
વૃધ્ધત્વ ખરી પડ્યું,
                   કોળ્યું કૈશોર્ય !-- સ્નેહરશ્મી
રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે તે તો
કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતા
જેની આંખમાં ઝળઝળીયા આવી જાય
                               તે તો માં - - જયંત પાઠક
દીકરા જુદા થયા
બધું વહેંચી લીધું
બાકી રહી
માં….. !
તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા …. ફરી આજે
                       તને વૃધ્ધાશ્રમે દોરી જતાં-     પ્રવીણ ભૂતા
માં એટલે મૂંગા આશીર્વાદ
મા એટલે વહાલ તણો વરસાદ
મા એટલે અમૃત ઘોળ્યો દરીયો
મા એટલે દેવ ફરી અવતરીયો
મા એટલે જતન કરનારું જડતર
માં એટલે વગર મૂડીનું વળતર
માં એટલે વહાલ ભરેલો વીરડો
                          માં એટલે મંદિર કેરો દીવડો-    –- દેવેન્દ્ર ભટ્ટ
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહરનિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
                            સાવ ભાંગેલ ઘરને ઘર જોવું--    –-  રાજેશ વ્યાસ
બા બચપણમાં હું તને
ચિંતામાં મૂકતો લે,
                                 હવે ચિતામાં મૂકું છું. -    – -  મનોહર ત્રિવેદી
ઇશ્વરની કૃપાથી
પાંગળો પહાડ ઓળંગે પણ ખરો
ન યે ઓળંગી શકે
પણ
ઓળંગી શકાય આ આખોય ભવ
                                   માંની કૃપાથી-    –-  હર્ષવદન જાની
જે કાંઇ પૂછ્યા વિના, કાંઇ કહ્યા વિના,
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
                                     - 
એ મા હોય છે. -    –– પ્રજ્ઞા પટેલ

" સઘળા એ અક્ષરમાં, અમથા એ કો'ક વાર '' ને મૂકી જો જો કાનો (='માં'),

તે દિ'  દરિયો એ લાગશે નાનો.... ! "


મને મારી ભાષા ગમે છે,
                                 કારણ મને મારી બા ગમે છે. -    -વિપિન પરીખ
"જે મસ્તી હોય આંખો માં, સુરાલયોમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે??? જે માંની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી..."



મા
જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ મા જેને કોઈ સીમા નથી તેનું નામ મા જેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ મા આવી ફક્ત ત્રણ મા છે. પરમાત્મા, મહાત્મા અને મા